શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત શોપિયા જિલ્લામાં આજે સવારે આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલામાં એક પોલીસકર્મી શહીદ થયો છે. હુમલા બાદ આતંકીઓ ફરાર થઈ ગયાં હતા. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. કહેવાય છે કે આતંકીઓ આ જ વિસ્તારમાં ક્યાંક છૂપાયેલા હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આતંકીઓને પકડવા માટે સુરક્ષાદળો ઘરે ઘરે તલાશી લઈ રહ્યાં છે. કહેવાય છે કે આતંકીઓએ પોલીસ સ્ટેશનને ચારેબાજુથી ઘેરીને હુમલો કર્યો. તેઓ શહીદ પોલીસકર્મીની રાઈફલ લઈને ફરાર થઈ ગયાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આ આતંકવાદીઓ એફઆઈઆર નોંધાવવાના બહાને પોલીસ સ્ટેશનમાં ઘૂસવામાં સફળ થયા હતાં. અત્રે જણાવવાનું કે શોપિયામાં મોટી સંખ્યામાં આતંકીઓ સક્રિય છે અને ત્યાં આતંકી હુમલા અવરનવર થાય છે. 



આ અગાઉ ગુરુવારે આતંકવાદીઓ વિરુદ્ધ ચાર અલગ અલગ અભિયાનમાં એક જવાન શહીદ થઈ ગયો અને હિજબુલ તથા લશ્કરના 3 આતંકીઓ માર્યા ગયાં હતાં. આ અભિયાનોમાં બધુ મળીને કુલ 6 લોકો માર્યા ગયાં. અનંતનાગ જિલ્લાના કાઝીગુંડમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળતા સુરક્ષાદળોએ વહેલી સવારે ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. 


અભિયાન દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક સ્થાનિક આતંકી આસિફ મલિક ઠાર થયો. તે લશ્કરનો કમાન્ડર હતો. અથડામણમાં 19 રાષ્ટ્રીય રાયફલ્સનો જવાન હેપ્પી સિંહ શહીદ થયો. આતંકવાદી મલિક સુરક્ષાદળો પર થયેલા અનેક હુમલામાં સામેલ હતો.